મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વારસો, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસને રોશનીની કલાત્મક અભિવ્યક્તિમાં રજૂ કરતા ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો એકતાનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તા.15 જાન્યુઆરી, 2027 સુધી આયોજિત આ પ્રકાશોત્સવમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસની રોશનીમય ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રને સાકાર કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ પર્વના માધ્યમથી દેશનાં વિવિધ રાજ્યોને એકતાના તાંતણે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અન્ય રાજ્યોની વિશિષ્ટતાઓને જાણવાની અને માણવાની પણ તક મળશે તેમજ આ આયોજનથી એકતાની ભાવનાને વધુ બળ મળશે અને દેશની વિવિધતામાં રહેલી એકતાનું સુંદર પ્રતિબિંબ જોવા મળશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
એકતાનગરમાં આશરે 7.6 કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત લાઈટિંગ અને ઇલ્યુમિનેશન આ પ્રકાશોત્સવમાં કરવામાં આવ્યું છે. ઇન્ડોર અને આઉટડોર એમ બે વિભાગમાં યોજાનારો આ પ્રકાશોત્સવ પ્રવાસીઓને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિથી લઈને આધુનિક ટેકનોલોજી અને વિકાસ સુધીની અનોખી સફરનો અનુભવ કરાવશે.