રાજ્યમાં વીજળીની વધતી માંગને પહોંચી વળવા અને ખેડૂતો, ઉદ્યોગો તથા સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા આજે ઊર્જા વિભાગ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કરી.
તાજેતરમાં નોંધાયેલી ૨૯,૮૨૨ મેગાવોટની વિક્રમી વીજ માંગ અને નબળા ચોમાસા તથા તાપમાન વધવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ રાજ્ય સરકાર કોઈપણ વિક્ષેપ વિના વીજળી પૂરી પાડવા સંપૂર્ણ સજ્જ છે.
આ બેઠકમાં લેવાયેલા તાત્કાલિક પગલાંઓ અંતર્ગત કેન્દ્રીય કોલસા મંત્રાલય દ્વારા નવેમ્બરથી રોજના ૧૩ થી ૧૪ રેલવે રેકનો કોલસા પુરવઠો સુનિશ્ચિત કરવાની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત, સાંજના પીક અવર્સની માંગને પહોંચી વળવા દિવસની સોલાર ઊર્જાનો સંગ્રહ કરી સાંજે તેનો ઉપયોગ કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) ની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે.
લોંગ ટર્મ આયોજનની દિશામાં પણ સરકાર સમયબદ્ધ રીતે આગળ વધી રહી છે. વર્ષ ૨૦૨૮-૨૯ થી સેન્ટ્રલ જનરેટિંગ સ્ટેશનમાંથી ૨૫૦૦ થી વધુ મેગાવોટ વીજળી તબક્કાવાર ઉપલબ્ધ થશે. તેમજ ભવિષ્યની વીજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ ૫૦૦૦ મેગાવોટ વીજળી ફાળવવા કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે.